Monthly Archives: April 2012

Happy Birthday, Sam!!!

Today, 10th April, is the birthday of founder of homoeopathy. Every homeopath, feels indebted for the knowledge he has given to treat the “sick”. Here I am presenting, in very brief, glimpses about the man who single handedly changed the science of therapeutics. It is in vernacular language Gujarati.

જે બીમારીની સારવાર એકવાર થઇ હોય તે છતાં એ જ બીમારી વારંવાર કેમ થાય?
કોઈ દર્દી આજે એક શારીરિક ફરિયાદ લઈને આવે તેની સારવાર દરમ્યાન એ તકલીફ ઓછી થાય અને બીજી તકલીફ ઉભી થાય, તાજી ઉભી થયેલી તકલીફને સાચવવા જતા ફરી પછી પહેલી ફરિયાદ ઉભરી આવે, આમ કેમ?
સામાન્ય સંજોગોમાં સ્વસ્થ દેખાતી વ્યક્તિ થોડો જ માનસિક કે શારીરિક શ્રમ પડતા અચાનક બીમાર કેમ થાય છે?
શારીરિક અશક્તિ અને નીરૂત્સાહની ફરિયાદ કરતા દર્દીની વિસ્તૃત તપાસ કરતા, તેમના બધા જ અવયવો, એમનો પૌષ્ટિક ખોરાક, સરળ જીવન અને સ્વચ્છ વાતાવરણ હોવા છતાં બીમારીનું કારણ કેમ નથી સમજાતું? એમને પોષણ આપે તેવા ચટણો અને ઔષધો ફાયદો કેમ નથી કરતા?
વિષાણું જન્ય રોગોના વાવર વખતે ખુબ અસરકારક સારવાર ઉપલબ્ધ ન હોવાને કારણે એટલા બધા લોકો પોતાનો જીવ ગુમાવે, એવું કેમ બને છે?
જુના અને હઠીલા રોગો માતે અકસીર સારવાર કેમ ઉપલબ્ધ નથી?
એક વાર બીમારી થાય એટલે એની ચોક્કસ સમયની સારવાર બાદ દર્દી પોતાનું સ્વાસ્થ્ય પાછું મેળવી કેમ નથી શકતો?
કેમ એને જીવન પર્યંત દવાઓનો ઉપયોગ અને આશરો લેવો પડે છે? 
દર્દીને જીવન જીવવા જેવું ન લાગતાં, જીવતેજીવ દોજ્ખની પીડા કેમ સહેવી પડે છે?
પ્રશ્નો, પ્રશ્નો અને વધુ પ્રશ્નો…, બસ પ્રશ્નો જ ઘુમરાયા કરતા હતા એક પ્રતિભાશાળી યુવાન તબીબના મનમાં. કેવી મુશ્કેલીઓ સામનો કરીને એ યુવાને તબીબી પદવી મેળવી હતી?
એના દાદા એક ચિત્રકાર, વર્ષો પહેલા ત્યારે નવા શોધાયેલા   પોર્સેલીનઉપર ચિત્રકારીમાં એમને નામના મેળવી. એમનો વરસો આગળ વધારતા આ યુવાનના પિતાએ એ ચિત્રશૈલી માં નિપુણતા મેળવી. પ્રમાણિકતા અને સખ્ત પરિશ્રમના ગુણો ધરાવતા પરિવારમાં ૧૦ એપ્રિલ ૧૭૫૫ ની મધરાતે તબીબી દુનિયામાં વિશિષ્ઠ સારવાર પદ્ધતિના પ્રણેતાનો જન્મ થયો. એને નામ અપાયું સેમ્યુઅલ.
આર્થિક સંકડામણ અનુભવતા પરિવારમાં ઉચ્ચ વિચારો, ઉચ્ચતમ આદર્શો અને સરળ જીવનશૈલીથી સેમ્યુઅલ નો ઉછેર થવા લાગ્યો. બાળપણમાં પિતા પોતાના કામે જાય ત્યારે બાળક સેમ્યુઅલને એક પ્રશ્ન સાથે નાનકડી ઓરડીમાં બંધ કરીને જાય. પ્રશ્ન માનવજીવન, આકાશ, પૃથ્વી, પાણી, સજીવ, નિર્જીવ, કોઇપણ બાબતનો હોય. સેમ્યુઅલને ઓરડીમાંથી બહાર ત્યારેજ નીકળવા  મળે  જયારે એ પોતાની સમજ પ્રમાણેનો, પણ વૈજ્ઞાનિક અને મૌલિક ઉત્તર આપે. આમ બાળપણથી શિસ્ત અને સંસ્કાર પામેલ સેમ્યુઅલે અભ્યાસક્રમ  ઉપરાંતનાવિવિધ વિષયો ઉપર ચિંતન, મનન, કરવાની ટેવ વિકસાવેલી. ઉચ્ચતમ કારકિર્દી દરમ્યાન એમને પોતાની માતૃભાષા જર્મન ઉપરાંત અન્ય જેવીકે  લેટિન,ગ્રીક, ફ્રેંચ, ઇટાલિયન, ઈંગ્લીશ અને અરેબિક ભાષાઓ પર સંપૂર્ણ કાબુ મેળવેલો. પોતાનું વતન છોડીને ઉચ્ચ અભ્યાસ માટે બીજા પ્રદેશમાં એ જયારે ગયા ત્યારે આ જ ભાષાઓ બીજાને શીખવવા બદલ મળેલી ફી ઉપરજ પોતાનો અભ્યાસ અને જીવન આગળ ધપાવ્યું. તબીબીશાસ્ત્ર તરફના લગાવને ખાતર અનેકવિધ તકલીફો વેઠવા છતાં એનો સફળ અભ્યાસ કરીને ૧૭૭૯માં એમ. ડી. ની પદવી પ્રાપ્ત કરી.
બાળપણથી સેવેલા સ્વપ્નને સાકાર કરીને આલ્પ્સ પર્વત પાસેની ખીણને અડીને વસેલા શહેરમાં પોતાની તબીબી સેવાઓ આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં બધું ઠીક ચાલ્યું, પછી અભ્યાસ જીવન દરમ્યાન શીખેલી સારવાર પદ્ધતિઓ અને નિષ્ણાતો દ્વારા અપનાવતી ખાસ વિકસાવેલી હથોટીઓ અજમાવતા જેમ જેમ સમય જતો ગયો તેમતેમ એના એ જ દર્દીઓ એ જ ફરિયાદ લઈને પાછા આવવા લાગ્યા. ક્યરેક કોઈને સારું થતું અને પછી જે તકલીફની સારવાર કરી હોય તે ઠીક થતી અને થોડા સમયમાં ફરીથી એજ અથવા બીજી કોઈ તકલીફ સાથે એ દર્દીઓ સારવાર માટે પાછા  આવતા. ધંધાની દ્રષ્ટિએ આ ખુબ સારી ઘટના હતી, પણ તબીબીશાસ્ત્રએ ધંધો નથી, એ તો સેવાનું ઉત્કૃષ્ટ માધ્યમ છે. બીમારીમાં ગુમાવેલું સ્વાસ્થ્ય પાછું મળે તો જ એ સાચી સારવાર અને તબીબ મે તે જ એક માત્ર ધ્યેય હોઈ શકે એમ માનનાર સેમ્યુઅલ માટે આ અનુભવો પોતાના બાળપણના સ્વપ્નાં ચકનાચૂર  કરનાર નીવડ્યા. ત્યારે પ્રચલિત સારવાર પદ્ધતિ ઉપર શ્રેષ્ઠ કાબુ ધરાવનાર અને એ વખતના ધોરણો પ્રમાણે સફળ સારવાર કરવાને સક્ષમ પણ મનથી અતિ સંવેદનશીલ અને પોતાના આદર્શોમાં સ્પષ્ટ એવા આ તબીબનું મન આવી સારવાર પદ્ધતિ પરથી ઉઠી ગયું અને અગિયાર વર્ષથી ચાલતી પોતાની તબીબી પ્રેક્ટીસ બંધ કરી દીધી. વિકસતા જતા પરિવારનું ગુજરાન અને વધતી સામાજિક જવાબદારી નીભ્વવા મારે આર્થિક ઉપાર્જન પણ એટલું જ આવશ્યક બનતું ગયું. ત્યારે એની મદદે આવ્યું બાળપણમાં મેળવેલું જુદી જુદી ભાષાઓનું જ્ઞાન, અભ્યાસ દરમ્યાન વિવિધ વિષયો પર મેળવેલું પ્રભુત્વ અને બાળપણથી વિકસેલી મૌલિક પ્રતિભા. જીવન નિર્વાહ મારે એમણે  જુદાજુદા વિષયોના પુસ્તકોનું જર્મન અને અન્ય ભાષાઓમાં ભાષાંતર કરવાનું શરુ કર્યું. એ ઉપરાંત રસાયણશાસ્ત્રના પ્રયોગો અને એનું ભાષ્ય લખવાનું ફ આદર્યું. આ કાર્યમાં એ ખુબ એ ખંતથી ઊંડા ઉતરી ગયા. પાંચ વર્ષના સમયગાળામાં એમણે આશરે પાંચ હજાર પાનાનું લેખન અને પ્રયોગો પ્રસિદ્ધ કર્યા.
ઈસવી સન ૧૭૯૦ દરમ્યાન વૈદકશાસ્ત્ર ઉપર વિલિયમ કુલેન દ્વારા લિખિત ગ્રંથના ભાષાંતર દરમિયાન એક વિરલ ઘટના બની. સીન્કોના નામના ઝાડ વિશેના લેખમાં લેખકે એક નોંધ ટપકાવેલી. એ નોંધ ઉપર આ મૌલિક ભાષાંતરકારનું મન ચકરાવે ચઢ્યું. એ નોંધ કંઇક આમ હતી: ‘સીન્કોનાના ઝાડની છાલના રસમાં એવું સત્વ છુપાયેલું છે કે તેનું સેવન કરવાથી તંદુરસ્ત વ્યક્તિને એકાન્તરીયા તાવના લક્ષણો અનુભવાય છે. રસપ્રદ બાબત એ છે કે આ રસ આ પ્રકારના તાવ ના ઉપચાર માટે પણ અકસીર ગણાય છે.’ આ નોંધની સત્યતાની ચકાસણી કરવાનું આ વૈજ્ઞાનિક મગજના તબીબે નક્કી કર્યું. પ્રયોગ શરુ કર્યાના થોડા દિવસોમાંજ એમણેએકન્તારીયાતાવનો અનુભવ થયો. જેવો એમણે રસ પીવો બંધ કર્યો એટલે એના ચિહ્નો પણ બંધ.
આ નોંધના મૂળ લેખકે આ ઘટનાનો અછડતો ઉલ્લેખ માત્ર કર્યો પણ પ્રતિભાશાળી સેમ્યુઅલે આ ઘટના દ્વારા એક કુદરતી નિયમની શોધ કરી : “જે વસ્તુ/પદાર્થ  તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં ચિહ્નો પેદા કરી શકે તે વસ્તુ તે જ પ્રકારના ચિહ્નો ધરાવતી બીમાર વ્યક્તિને સાજી કરી શકે.”અને આમ જન્મ થયો માનવજાત માટે અતીક્રાંતિકારી એવી ચિકિત્સા પદ્ધતિનો જેના પાયામાં રહેલા સિદ્ધાંતોમાંનો એક મૂળભૂત સિદ્ધાંત છે, પદાર્થની તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં ફેરફાર પેદા કરવાની શક્તિ અને તે પ્રકારના ફેરફાર ધરાવતા દર્દીને સ્વસ્થતા આપવાની શક્તિની સામ્યતા એટલે “સામ્ય ચિકિત્સા” હોમિયોપથી.
આ ચિકિત્સા પદ્ધતિ માં વ્યક્તિની બીમારીદરમ્યાન અનુભવતી તકલીફો, ઉપરાંત એની માનસિકતા અને શારીરિક બંધારણને ધ્યાનમાં લઈને પસંદગીની માત્ર એક અને એક એવી ઔષધી આપવી આવશ્યક હોય જે ઔષધી કુદરતી રૂપમાં લેવાથી તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં એવાંજ ચિહ્નો પેદા કરી શકે. આમ વ્યક્તિલક્ષી અને સારવારલક્ષી સામ્યતા એ આ પદ્ધતિની વિલક્ષણતા બની.
પદ્ધતિસરના સંખ્યાબંધ પ્રયોગો દ્વારા સામ્યચિકિત્સાના સિદ્ધાંતની ચકાસણી કર્યા બાદ ૧૭૯૬ થી એ ચિકિત્સા પદ્ધતિને  દર્દીઓની સારવાર માટે ઉપયોગ માં લેવાની શરૂઆત કરી. નવી પદ્ધિતી થી થતી સારવાર દરમ્યાન તીક્ષ્ણ નિરીક્ષણોના પરિણામે તેમણે એવું તારણ પણ તારવ્યું કે જયારે દર્દીને દવાઓ કુદરતી રૂપમાં અને થોડા જથ્થામાં અપાય છે ત્યારે દવાઓ દ્વારા દર્દીઓ વણજોઈતા ચિહ્નો અનુભવે છે. જેના મનમાં સતત દર્દીનું હિત અને એને ઝડપથી સ્વસ્થ બનાવવાની તત્પરતા હતી એવા આ માનવીય અભિગમ ધરાવતા વૈજ્ઞાનિક તબીબે અથાક પ્રયત્નો બાદ આનો તોડ પણ શોધી કાઢ્યો. દવાઓ એના કુદરતીરૂપમાં અને જથ્થામાં ન આપતાં, તેની ઉપર એક ચોક્કસ પ્રયોગથી એને વધુ સારવારલક્ષી અને સક્ષમ બનાવવાની પદ્ધતિ વિકસાવી, જેનું નામ આપ્યું “ડાયનામાઈઝેશન “ (ઔષધીય પદાર્થનું જૈવિકરણ). આ ડાયનામાઈઝેશનની પ્રક્રિયા એ હોમિયોપેથિક્ સારવારની બીજી વિલક્ષણતા છે.  આ પ્રક્રિયાનો સહુથી મોટો ફાયદો એ છે કે સુક્ષ્મ પ્રમાણની દવાઓ દ્વારા ગંભીરમાં ગંભીર બીમારીની અસરકારકતાથી અને ઔષધીય પદાર્થની કોઇપણ પ્રકારની આડઅસર વિના સફળ અને સચોટ સારવાર કરી શકાય છે.
જુદા જુદા પદાર્થોની માનવ શરીર ઉપર અસરો બીજા શબ્દોમાં જે તે પદાર્થની માનવ શરીરમાં રોગ ઉત્પન્ન સરી શકવાની ક્ષમતાની ચકાસણી કરવા માટે તેઓ પોતાના જીવન દરમ્યાન સૌથી વધુ પદાર્થોના પોતાની જાત ઉપર પરીક્ષણો કર્યા. આ પરીક્ષણો દરમ્યાન અનુભવાતા લક્ષણોને ખુબ જ ઝીણવટપૂર્વક નોંધ્યાં અને આવાજ પરીક્ષણોની ચકાસણી એમણે પોતાના પરિવારના સભ્યો, સાથી તબીબ મિત્રો અને સ્વયંસેવકોની મદદથી દરેક ઉંમર, સ્ત્રી, પુરુષ બન્ને જાતિ, વિવિધ માનસિકતા ધરાવતી વ્યક્તિઓ ઉપર પણ અવિરતપણે ચાલુ રાખી. લાંબા સમયના અભ્યાસ પછી આ ચિન્હોને આધારભૂતરીતે “મટેરીયા મેડિકા પ્યુરા” નામના ગ્રંથમાં પ્રકાશિત કર્યા.
આ ગ્રંથમાં પ્રકાશિત થયેલા ચિહ્નોના આધારે વિવિધ પ્રકારના અસાધ્ય રોગોની સારવાર સરળ ઔષધીય શક્તિઓથી વ્યક્તિગત રીતે શક્ય બની. માનવ જાતના ઇતિહાસમાં જુદી જુદી ઉંમર અને જાતિની તંદુરસ્ત વ્યક્તિ પર થયેલા આ પ્રયોગોએ સારવાર પદ્ધતિમાં ક્રાંતિ આણી. અત્યારસુધી પ્રચલિત સારવાર પદ્ધતિઓમાં રોગ લક્ષીય સારવાર કરવામાં આવતી. ઉદાહરણરૂપે કોઈ એક વ્યક્તિને માથાનો દુઃખાવો હોય, જઠરમાં સોજો હોય, ભુખ લગતી ન હોય, કબજીયાતની અસર હોય અને ચામડી રૂક્ષ થતી હોય તો પ્રસ્થાપિત સર્વર પદ્ધતિઓમાં જુદીજુદી આશરે પાંચ કે તેથી વધુ દવાઓનો ઉપયોગ આ પ્રકારની તકલીફો માટે કરવામાં આવે.
તે ઉપરાંત બાહ્ય લેપ અને પોષણની દવાઓ કે વિટામીન પ્રકારની દવાઓ પણ આવશ્યક બની શકે. હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધીતની વિશિષ્ટતા પ્રમાણે દર્દીના ઉપરોક્ત શારીરક ચિહ્નો ઉપરાંત એની માનસિકતા પણ ખુબ અગત્યનો ભાગ ભજવે છે.  દરેક વ્યક્તિ શરીરથી, અવયવોથી એક બીજા જેવી છે પણ એનું વ્યક્તિત્વ એના વિચારો, લાગણીઓ અને એની પર આધારિત એવા એના વર્તનથી બીજી વ્યક્તિથી જુદી પડે છે. જયારે કોઈવ્યક્તિ બીમાર થાય ત્યારે માત્ર એના અવયવો બીમાર નથી થતા પણ સમગ્ર વ્યક્તિ બીમાર થાય છે. અને તેથી માત્ર અવયવોની કે તેના ચિન્હોની સારવાર ન કરતાં તેની સાથે સમગ્ર વ્યક્તિની સારવાર કરવાથીજ રોગને સંપૂર્ણપણે મટાડીને દર્દીનું  સ્વાસ્થ્ય પાછું મેળવી શકાય છે. વિલક્ષણ પ્રતિભા ધરાવતા વૈજ્ઞાનિક અભિગમ અપનાવતા અને વિચક્ષણ દ્રષ્ટિવાળા ડૉ. સેમ્યુઅલ હનેમાને માનવજાતિના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવી અસાધારણ, સચોટ, અસરકારક અને દીર્ઘ પરિણામો ધરાવતી ચિકિત્સા પદ્ધતિની સમાજના સ્વાસ્થ્ય માટે ભેટ ધરી. જેમ દરેક ક્રાંતિકારી વિચાર અને વ્યક્તિ સાથે બનતું આવ્યું છે તેમ ડૉ હનેમાન સાથે પણ બન્યું. સમાજના સ્થાપિત હિતોએ એમનો અસહકાર અને બહિષ્કાર કરવામાં કશું બાકી ન રાખ્યું. પણ માનવજાતના સ્વાસ્થ્યની જેને હર હમેશ ચિંતા હતી તેવા આ યુગ પુરુષે સામાજિક વિપરીત પરિસ્થિતિ સામે જાણે જંગ છેસી જીવન દરમ્યાન જરૂર પડયે એક શહેરથી બીજે શહેર, એક રાજ્યથી બીજે રાજ્ય એમ ક્યાંયે ઠરીઠામ થયા વિના પોતાનો યજ્ઞ હર્યા-થાક્યા વિના અવિરત ચાલુ રાખ્યો. પોતે શોધેલી ક્રાંતિકારી પદ્ધતિને સુવાંગ સિદ્ધ કરવા માટે અઠ્ઠયાસીવર્ષના સુદીર્ઘ તંદુરસ્ત જીવનના અંત સુધી તેઓ કાર્યરત રહ્યા.
માનવ જાતિના ઇતિહાસમાં ઘણીબધી ચિકિત્સા પદ્ધતિઓની શોધ થઇ. તેમાંની કેટલીક તો  હજારો વર્ષથી પ્રચલિત છે. ચિકિત્સા જગતની વિવિધ પદ્ધતિઓની સરખામણીએ માત્ર બસો જેટલાજ વર્ષ જૂની એવી ડૉ હનેમાન દ્વારા પ્રસ્થાપિત હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિની ઘણી બધી વિશિષ્ટતાઓ અને સિદ્ધિઓ આજ સુધીમાં નોંધાઈ છે. આવા માનવજાતિના સ્વાસ્થ્ય માટેની ઉપકારક ચિકિત્સા પદ્ધતિના પ્રણેતા ડૉ હનેમાનની ૨૫૭મી જન્મજયંતીએ આવો આપણે સહુ રોગ મુક્ત, ભયમુક્ત અને સ્વાસ્થ્યપ્રદ સમાજની રચનાના અભિયાનમાં આ ઉપચાર પદ્ધતિના પ્રચાર, પ્રસાર દ્વારા આપણું યોગદાન આપીએ એ જ એમને અપાયેલી સાચી અંજલી…